સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનને એક મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાં અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની સંયુક્ત ટીમે એક રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી દિવસના સમયે અલગ-અલગ સોસાયટીઓમાં ફરીને બંધ મકાનોની રેકી કરતો હતો અને મોકો જોઈને ડુપ્લિકેટ ચાવીથી અથવા તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરતો હતો. તે ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતો હતો.
8 ગુનાઓનો ભેદ ઉકેલાયો, ભૂતકાળમાં પણ નોંધાયેલા છે ગુનાઓ
રાંદેર પોલીસની આ સરાહનીય કામગીરીના પરિણામે કુલ 8 અનડિટેક્ટ ગુનાઓનો પર્દાફાશ થયો છે, જેમાં 7 ઘરફોડ ચોરીના અને 1 વાહનચોરીના ગુનાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીના ભૂતકાળની કુંડળી પણ બહાર આવી છે, જેમાં તેના ગુનાહિત ઇતિહાસમાં અગાઉના અન્ય 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. રાંદેર સહિત શહેરના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ આ તસ્કરે હાથ સાફ કર્યા હોવાનું ખૂલ્યું છે.
