સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ગાંધીનગર પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને કેટલાક બદમાશોએ એક વેબ-ડેવલપર યુવકની ઓફિસમાં ઘૂસીને તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ 'GOV. OF GUJARAT' (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) લખેલી ઇનોવા કારમાં આવ્યા હતા અને ઓફિસમાં ભારે ધાક-ધમકીઓ જમાવી હતી.
આજીવન જેલની ધમકી આપી 50 લાખની માંગણી
વેબ-ડેવલપર યુવકને ભયમાં મૂકવા માટે આરોપીઓએ તેને ગેરકાયદે ધંધો કરતા હોવાનું જણાવી આજીવન જેલની સજા કરાવવાની ધમકી આપી હતી અને તોડબાજી કરીને રૂ.50 લાખની માતબર રકમની ખંડણી માંગી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવકને કારમાં ફેરવીને ડરાવ-ધમકાવ્યા હતા અને છેવટે મજબૂર કરીને તેમની પાસેથી રોકડા રૂ.4 લાખ પડાવી લીધા હતા.

