સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી પ્રખ્યાત મહેશ્વરી વિદ્યાપીઠ શાળામાં આજે સવારથી જ ભારે અફરાતફરી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રની મનમાની અને વાયદા ખિલાફીથી કંટાળેલા હજારો વાલીઓ એકઠા થઈને શાળા પરિસરમાં પહોંચી ગયા હતા અને તંત્ર વિરુદ્ધ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થવાના કારણે શાળા કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

મોર્નિંગ શિફ્ટના વાયદાથી ફરી જતાં વાલીઓમાં ભારે રોષ

વાલીઓનો મુખ્ય આરોપ છે કે બાળકને એડમિશન આપતી વખતે શાળા સંચાલકો દ્વારા મોર્નિંગ શિફ્ટ (સવારની શિફ્ટ) આપવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે શાળા શરૂ થયા બાદ સંચાલકો પોતાના જ વાયદાથી ફરી ગયા છે અને વિદ્યાર્થીઓને અન્ય શિફ્ટમાં મોકલવા દબાણ કરી રહ્યા છે. વાલીઓનો દાવો છે કે શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને શિક્ષણના નામે વાલીઓની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

યોગ્ય જવાબ ન મળતાં નારાજગી: વાલીઓ સાથે ગેરવર્તનનો આક્ષેપ

આ વિવાદ અંગે જ્યારે હજારો વાલીઓ શાળા સંચાલકો પાસે સ્પષ્ટતા માગવા અને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે તેમને કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. એટલું જ નહીં, રજૂઆત કરવા આવેલા વાલીઓ સાથે શાળા તંત્ર અને સ્ટાફ દ્વારા અસભ્ય વર્તન અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી વાલીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખવાની અને શિક્ષણ વિભાગ સુધી રજૂઆત કરવાની કડક ચીમકી આપી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં 700 બુક સ્ટોલ સાથે સજશે ઇન્ટરનેશનલ બુક ફેર, ટેક્સટાઇલ પ્રિન્ટિંગ અને 'વેસ્ટમાંથી ક્રાફ્ટ' રહેશે મુખ્ય આકર્ષણ