સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં જ શહેરમાં હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે. દિવસે ને દિવસે હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
પુણામાં રૂપિયાની લેતીદેતીમાં હત્યા
હત્યાની તાજેતરની ઘટના શહેરના પુણા વિસ્તારમાં બની છે. અહીં રૂપિયાની લેતીદેતીના સામાન્ય મામલે ઝઘડો ઉગ્ર બનતા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિકી નામના યુવકે બિહારના લાલુ યાદવ (મૃતકનું નામ) નામના યુવકની હત્યા કરી નાખી છે. વિકીએ લાલુ યાદવના માથા પર ટાઇલ્સના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પુણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આરોપી વિકીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
24 કલાકમાં ત્રણ હત્યા
પુણામાં બનેલી આ ઘટના સુરત શહેરમાં 24 કલાકની અંદર બનેલી ત્રીજી હત્યા છે. અગાઉ, ગઈકાલે શહેરમાં અન્ય બે હત્યાઓ નોંધાઈ હતી.રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો.લીંબાયત વિસ્તારમાં દિવસે-દહાડે એક બુટલેગરની હત્યા કરવામાં આવી હતી. સુરત શહેરમાં ઉપરા-ઉપરી હત્યાના બનાવોના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એક જ દિવસમાં ત્રણ હત્યાઓ થવાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલીસ આ સિલસિલો ક્યારે તોડશે તે જોવું રહ્યું.









