Suratમાં રૂ. 3.55 કરોડની ઠગાઈનો પર્દાફાશ: યુનિક મર્કન્ટાઈલ કંપનીએ ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા!

સુરત શહેરમાં નાણાકીય લોભામણી સ્કીમો અને ઊંચા વળતરની લાલચ આપીને સામાન્ય નાગરિકો અને રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં સુરતમાંથી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ઉધના વિસ્તારમાં આવેલી યુનિક મર્કન્ટાઈલ કંપની દ્વારા રોકાણકારો સાથે લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનં્ બહાર આવ્યું છે. આ પ્રકરણે ભોગ બનનાર રોકાણકારોએ ડાયરેક્ટરો સહિત કુલ 8 શખ્સો સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

6 વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ

પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિક મર્કન્ટાઈલ કંપનીના સંચાલકો દ્વારા વિવિધ આકર્ષક સ્કીમો રજૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5થી 10 ટકા સુધીનું ઊંચું વળતર આપવાની અને માત્ર 6 વર્ષની ટૂંકી મુદતમાં રોકાણ કરેલા નાણાં ડબલ કરી આપવાની મોટી લાલચ આપવામાં આવી હતી. માત્ર નાણાકીય વળતર જ નહીં, પરંતુ ગ્રાહકોને આકર્ષવા માટે વિદેશ ટુર પર લઈ જવાની પ્રલોભનરૂપ વાતો પણ કરવામાં આવી હતી. આ બધી લોભામણી જાળમાં ફસાઈને અનેક ભોળા નાગરિકો અને વયોવૃદ્ધ રોકાણકારોએ પોતાની જીવનભરની બચત આ કંપનીમાં રોકાણ કરી દીધી હતી.

વયોવૃદ્ધો સાથે કરોડોની ઠગાઈ, EOW ને સોંપાઈ તપાસ

કંપની દ્વારા આપવામાં આવેલા વચનો અને સ્કીમો સમય જતાં પોકવાર સાબિત થયા હતા અને રોકાણકારોને ન તો વળતર મળ્યું કે ન તો તેમના મૂળ નાણાં પરત મળ્યા. આમ, વયોવૃદ્ધ રોકાણકારો સહિત અનેક લોકો સાથે કુલ રૂપિયા 3.55 કરોડ ની મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે ભોગ બનનારાઓએ એકત્ર થઈને કંપનીના ડાયરેક્ટર સહિત 8 જણા સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ મામલાની આગળની સઘન તપાસ સુરત આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ને સોંપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો