સુરત શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાઓ રોકાવવાનું નામ નથી લઈ રહ્યા. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓફિસ અને ગોડાઉન ધરાવતા ત્રણ પ્રતિષ્ઠિત યાર્ન વેપારીઓ આયોજનબદ્ધ આર્થિક ગુનાનો ભોગ બન્યા છે. પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆર (FIR) મુજબ, થોડા સમય પહેલાં બે અજાણ્યા લેભાગુ વેપારીઓએ બજારમાં આવીને પોતાની મોટી ઓળખ આપી હતી.
આ રીતે વેપારીઓને જાળમાં ફસાવ્યા
તેમણે શરૂઆતમાં નાના-મોટા સોદાઓ રોકડેથી કરીને માર્કેટમાં સારો ભરોસો કેળવ્યો હતો. ત્યારબાદ, તેમણે આ 3 યાર્ન વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા અને ભવિષ્યમાં મોટા ઓર્ડર્સ તેમજ મોટો આર્થિક લાભ કરાવી આપવાની ગુલાબી લાલચો આપી હતી. વેપારીઓ તેમની વાતોમાં આવી ગયા હતા અને મોટો વેપાર મળવાની આશાએ પેમેન્ટની શરતો હળવી કરી દીધી હતી.
માલ આવી ગયો પણ નાણાં ગાયબ
વિશ્વાસનો ગેરલાભ લઈને આ બંને ઠગોએ અલગ-અલગ તારીખોમાં ત્રણેય વેપારીઓ પાસેથી કુલ 1.63 કરોડ રૂપિયાની કિંમતનો યાર્નનો જથ્થો ઉધાર (ક્રેડિટ) પર ખરીદી લીધો હતો. માલની ડિલિવરી મળી ગયા બાદ જ્યારે કરાર મુજબ પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે આ બંને લેભાગુ વેપારીઓએ વાયદાઓ કરવાના શરૂ કર્યા હતા. થોડા દિવસો બાદ તેઓ પોતાની ઓફિસો બંધ કરીને અને ફોન સ્વિચ ઓફ કરીને રાતોરાત રફુચક્કર થઈ ગયા હતા. વેપારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટું ઉઠમણું થયું છે. હાલ અઠવાલાઇન્સ પોલીસે સીસીટીવી ફૂટેજ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને લોકેશનના આધારે આ ચીટરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Gir Somnath: સુત્રાપાડા-વેરાવળમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ