સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર સોનાચાંદીના સસ્તા દાગીના ખરીદવાની જાહેરાતો જોઈને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સુરતના વરાછા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સોનાચાંદીની ખરીદી કરતા લોકોને સાવચેત રહેવા માટે મજબૂર કર્યા છે.વરાછા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય જસ્મીન કથીરિયા નામના યુવકે સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે 9 કેરેટ ગોલ્ડના દાગીના મળી રહ્યા હોવાની એક આકર્ષક જાહેરાત જોઈ હતી.

લેબોરેટરી રિપોર્ટના તારણો ચોંકાવનારા હતાં

આ જાહેરાતથી આકર્ષાઈને યુવકે એક શૉરૂમમાંથી 3296 રૂપિયા ચૂકવીને 9 કેરેટ વાઇટ ગોલ્ડ હોવાના દાવા સાથે એક રિંગ ખરીદી હતી.તેણે 92.5% સ્ટીર્લિંગ સિલ્વરના નામે 92700 રૂપિયા જેવી માતબર રકમ ચૂકવીને ચાંદીનો એક કંદોરો પણ ખરીદ્યો હતો.શરૂઆતમાં યુવકને સસ્તા ભાવે અસલી સોનું અને ચાંદી મળી ગયા હોવાનો આનંદ હતો પરંતુ બાદમાં તેની સાથે થયેલી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.યુવકને શંકા જતાં તેણે ખરીદેલા દાગીનાની ખરાઈ કરવા માટે બે અધિકૃત હોલમાર્કિંગ સેન્ટરની લેબોરેટરીમાં તેની ચકાસણી કરાવી હતી.આ લેબોરેટરી રિપોર્ટના તારણો ચોંકાવનારા હતાં. 

રિંગ વેપારીએ 9 કેરેટ વાઇટ ગોલ્ડ કહીને વેચી

રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જે રિંગ વેપારીએ 9 કેરેટ વાઇટ ગોલ્ડ કહીને વેચી હતી.તેમાં 1 કેરેટ પણ સોનું નહોતું અને તે સંપૂર્ણપણે ચાંદીની જ નીકળી હતી.એટલું જ નહીં પરંતુ 92.5% શુદ્ધ ચાંદીના નામે વેચવામાં આવેલા કંદોરામાં વાસ્તવિક ચાંદી માત્ર 51% જ નિકળી હતી.તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે વેપારીએ કંદોરામાં જડેલા નકામા સ્ટોનનું વજન પણ ચાંદીના વજનમાં જ જોડી દીધું હતું અને ગ્રાહક પાસેથી 100% શુદ્ધ ચાંદીનો તોતિંગ ભાવ વસૂલ્યો હતો.લેબોરેટરી રિપોર્ટમાં દાગીનાની અંદર 41% જેટલી હલકી અને બિન-કીમતી ધાતુઓની મિલાવટ હોવાનું પણ સ્પષ્ટપણે સામે આવ્યું હતું. 

જિગર માણિયા સામે કાયદેસરની પોલીસ ફરિયાદ

ગ્રાહક સાથે છેતરપિંડી આચરવા બદલ અને નકલી ધાતુ પધરાવવા બદલ શૉરૂમ સંચાલક જિગર માણિયા સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધીને શૉરૂમ સંચાલક વિરુદ્ધ કાનૂની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.સોશિયલ મીડિયાના માધ્યમથી થતી આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવા અને કોઈપણ કિંમતી ઘરેણાં ખરીદતી વખતે પૂરતી સાવચેતી રાખવા આ ઘટના બાદ નિષ્ણાતો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી