સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલા ભેટ ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કોલસા (કારબોસેલ ખનીજ)ના ખાણકામ પર ખાણખનીજ વિભાગની ટીમે સરપ્રાઈઝ દરોડો પાડ્યો છે. લાંબા સમયથી ચોરીછૂપીથી ચાલી રહેલા આ કાળા કારોબાર પર ખાણખનીજ વિભાગ ત્રાટકતાં વિસ્તારના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

02 ટ્રેક્ટર, મશીનરી અને કારબોસેલ ખનીજ સહિત લાખોનો મુદ્દામાલ સીઝ

દરોડા દરમિયાન તપાસ ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા 02 ટ્રેક્ટર, ખાણકામની અદ્યતન મશીનરી તેમજ મોટા પ્રમાણમાં કારબોસેલ ખનીજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગેરકાયદેસર ખનન સ્થળેથી મળેલા લાખો રૂપિયાની કિંમતના આ તમામ મુદ્દામાલને ખાણખનીજ વિભાગ દ્વારા સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે.

ઝીણવટભરી માપણી અને કાનૂની કાર્યવાહી શરૂ

ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે કરાયેલા ખાણકામના વિસ્તારની ઊંડાઈ અને ક્ષેત્રફળ અંગે ઝીણવટભરી માપણી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, દરોડા સમયે સ્થળ પર હાજર મળી આવેલા મજૂરોના વિગતવાર નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માપણી અને તપાસના આધારે ખાણચોરી કરનારા તત્વો સામે ગુનો દાખલ કરી આગળની કડક કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Vav તાલુકામાં ખેડૂતોનો અનોખો વિરોધ, સૂકી પડેલી કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ!