સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા બુટલેગરો સામેની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે. LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલા સોલડી ટોલ નાકા પાસેથી એક શંકાસ્પદ ટ્રકને અટકાવીને તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન ટ્રકની અડફેટેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. LCB ની આ સચોટ અને ઝંઝાવાતી કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ટ્રકમાંથી કુલ 4524 બોટલ દારૂ અને બીયર જપ્ત

પોલીસ તપાસમાં ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરનો અધધ જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતવાર વાત કરીએ તો, ઇંગ્લિશ દારૂની નાની-મોટી 3684 બોટલો જેની કિંમત રૂ. 8,20,744 થાય છે, તેમજ 840 નંગ બીયર ટીન જેની કિંમત રૂ. 1,17,600 થાય છે; આમ કુલ રૂ. 9,38,344 નો પ્રોહિબિશનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ અને અન્ય સાધનો મળીને પોલીસે કુલ રૂ. 29,79,344 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ટ્રક માલિક સહિત ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર

આ દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા રાજસ્થાનના સિંગાડિયા ગામના બબલુસિંગ પુનમસિંગ રાવત નામના એક આરોપીને LCB ટીમે સ્થળ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ જેમાં ટ્રક માલિક, રાહુલ બિયાવર અને એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયા છે. પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ નેટવર્ક ગુજરાતમાં ક્યાં સપ્લાય થવાનું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Sabarkanthaના ઇડરના લાલોડા ગામે ખનન માફિયાઓનો આતંક, ગૌચર જમીન અને તળાવમાંથી લાખો મેટ્રિક ટન રેતી-માટીની ખુલ્લેઆમ ચોરી!