વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.)ની ટીમે દરોડો પાડીને મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.


ઘરમાં છુપાવીને કરાતું હતું છૂટક વેચાણ

એસ.ઓ.જી.ની ટીમે કારેલીબાગ મચ્છીપીઠ નાકા પાસે આવેલા મોદી હાઉસના ત્રીજા માળે કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી મહંમદ રફીક ઇકબાલ મલેકને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.તપાસમાં ખુલાસો થયો કે આરોપી મહંમદ રફીક તેના ઘરમાં જ આ પ્રતિબંધિત MD ડ્રગ્સ છુપાવીને છૂટક વેચાણ કરતો હતો.

 1.96 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપી પાસેથી 58.700 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન અને વજન કાંટો સહિત કુલ ₹1.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપીની પૂછપરછમાં ડ્રગ્સ સપ્લાય કરનાર અન્ય એક ઇસમનું નામ પણ સામે આવ્યું છે, જેને પોલીસે હાલમાં વોન્ટેડ જાહેર કર્યો છે. કારેલીબાગ પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના સપ્લાય ચેઇન અને તેના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: