વડોદરા શહેરની હરણી પોલીસે બુધવારની વહેલી સવારે બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે સઘન ચેકિંગ હાથ ધરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી દારૂના ગેરકાયદે કારોબારમાં જોડાયેલા બુટલેગરોના નેટવર્કમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મધ્યપ્રદેશથી લક્ઝરી બસમાં લાવવામાં આવતો હતો દારૂ

મળી રહેલી વિગતો અનુસાર, આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો. હંસ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. જોકે, હરણી પોલીસને અગાઉથી જ આ અંગે ચોક્કસ બાતમી મળી જતાં ગોલ્ડન ચોકડી પાસે બસને આંતરીને ઝડપી લેવામાં આવી હતી.

રૂ. 21 લાખનો કૂલ મુદ્દામાલ જપ્ત, ડ્રાઇવર-કંડક્ટર કસ્ટડીમાં

પોલીસ તપાસ દરમિયાન બસમાંથી અંદાજે રૂ. 5.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ લક્ઝરી બસ મળીને કૂલ રૂ. 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ બસના ડ્રાઇવર અને કંડક્ટરની ઘટના સ્થળેથી જ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Vadodara News: Harni Police Seize Foreign Liquor Worth Lakhs in Bus

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સામે પુનઃ પ્રશ્નાર્થ

રાજ્યમાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ બાદ પણ અવારનવાર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતાં દારૂબંધીના અમલીકરણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ રાજ્યની સરહદો પાર કરીને શહેરો સુધી દારૂનો જથ્થો પહોંચી જતાં દારૂબંધીના લીરેલીરા ઊડી રહ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં જાગી છે.


આ પણ વાંચો - Vadodara: સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લૉક નહીં નખાતા ભ્રષ્ટાચારના આક્ષેપ