વડોદરાના ફતેપુરા વિસ્તારમાં ગત 12 જૂનની રાત્રે અચાનક ગોળીબાર થવાના કારણે સમગ્ર પંથકમાં સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો હતો. બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી અંગત અદાવત અને વર્ચસ્વની લડાઈમાં હથિયારો ઉછળ્યા હતા અને જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનરે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને ગુનેગારોને તાત્કાલિક દબોચી લેવા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ મથકની ટીમોને મેદાનમાં ઉતારી હતી.


24 કલાકમાં ચારેય શૂટરો હથિયારો સાથે કોર્ડન

પોલીસની જુદી જુદી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ના નેટવર્કનો ઉપયોગ કરીને ફતેપુરા શૂટઆઉટના મુખ્ય આરોપીઓ સુફિયાન શેખ અને વહાબ શેખ ને લોકેશન ટ્રેસ કરીને દબોચી લીધા હતા. આ બંનેની આકરી પૂછપરછ બાદ આ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર અને હથિયારો છુપાવવામાં મદદ કરનાર અન્ય બે સાગરીતો સોયેલ બેલીમ અને મોહસીન પઠાણ ની પણ સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે.

તલાશી દરમિયાન મળ્યો હથિયારોનો જથ્થો

આરોપીઓના સિક્રેટ લોકેશન અને ઘરની ઝડતી લેતા પોલીસને બે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી અને આરોપીઓ પાસેથી ૧ જીવતો કારતુસ તેમજ ફાયરિંગ કરાયેલા ૨ ફૂટેલા કારતુસના ખોખા મળી આવ્યા છે, જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આટલું જ નહીં, આરોપીઓએ ઘરમાં અન્ય હિંસક હુમલા કરવા માટે છુપાવી રાખેલી ૫ મોટી લોખંડની તલવારો પણ પોલીસે જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હથિયારો મધ્યપ્રદેશ (MP) અથવા ઉત્તરપ્રદેશથી મંગાવવામાં આવ્યા હતા. પોલીસે આ ચારેય વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને રાયોટિંગ તેમજ હત્યાના પ્રયાસની કડક કલમો હેઠળ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vav-Tharad: ભારતમાલા રોડ પર સ્વિફ્ટ કારમાંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ, ગાંધીધામના 3 નશાના સોદાગરો જેલભેગા

  • Follow us on: