વડોદરા શહેરમાંથી ટેકનોલોજીના માધ્યમથી વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા એક હાઈટેક ડુપ્લીકેટ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે શહેરના એક ફ્લેટમાં અચાનક દરોડો પાડીને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે,આરોપીઓએ એક લોકપ્રિય વેબ સિરીઝ જોઈને તેમાંથી પ્રેરણા મેળવી આ આખું નેટવર્ક શરૂ કર્યું હતું.
અમેરિકાના નાગરિકોનો ગુપ્ત ડેટા મેળવતા હતા
આ શાતિર આરોપીઓ ડાર્ક વેબ જેવા પ્રતિબંધિત ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને અમેરિકાના નાગરિકોનો ગુપ્ત ડેટા મેળવતા હતા.આ ડેટાના આધારે તેઓ વિદેશી નાગરિકોનો સંપર્ક કરી,લોન અથવા અન્ય બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડીની પ્રવૃત્તિ આચરતા હતા.પોલીસે આ મામલે સઘન કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધારો સહિત કરણ લોકવાની, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને આલેરસુલ સૈયદ નામના ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી કોલ સેન્ટર ઓપરેટ કરવા માટે વપરાતા અનેક હાઈટેક ડિવાઈસ, લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.













