સાવલી તાલુકાના સમલાયા-જરોદ રોડ પર આવેલી વડદલા ગામની 'મીના સર્કિટ પ્રા.લિ.' (મા મીના સર્કિટ) કંપનીમાં લાખો રૂપિયાની ઉચાપતનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અલ્પેશભાઈ ચંદ્રકાંત પટેલે કંપની સાથે વિશ્વાસઘાત કરીને રૂ. 95,65,836ની મોટી રકમની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે કંપની મેનેજમેન્ટ દ્વારા સાવલી પોલીસ મથકે એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખોટા વાઉચરો બનાવી પત્ની અને પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી એકાઉન્ટન્ટે 28 ડિસેમ્બર 2024થી લઈને 25 જૂન 2026 દરમિયાન કંપનીના બેંક ખાતાઓમાંથી ચાલાકીપૂર્વક રકમ સરી કરી હતી. તેણે પોતાના, પોતાની પત્નીના તથા અન્ય ખાતાઓમાં કુલ રૂ. 89.17 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, તેણે ટ્રાવેલિંગ એક્સપેન્સ (પ્રવાસ ખર્ચ) સહિતના કંપનીના ખોટા વાઉચરો અને બોગસ બિલો બનાવીને કુલ રૂ. 95.65 લાખથી વધુની રકમ બારોબાર સેરવી લીધી હતી.
