વડોદરામાં પોલીસ અત્યાચારના ગંભીર આક્ષેપ મામલે કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ સામે આવ્યો છે. ગોરવા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સામે ગુનો નોંધવા વડોદરાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. મદદ માગવા પોલીસ સ્ટેશન પહોંચેલા બે ભાઈઓને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મારપીટમાં એક યુવકના કાનનો પડદો ફાટી ગયો હોવાનો અને સાંભળવાની ક્ષમતા ગુમાવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચારનો આક્ષેપ

ફરિયાદીઓના આક્ષેપ મુજબ, બંને ભાઈઓ મદદ માટે પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે, ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખીને માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

મારપીટમાં યુવકના કાનનો પડદો ફાટ્યાનો દાવો

આરોપ મુજબ, પોલીસ સ્ટેશનમાં થયેલી મારપીટ દરમિયાન એક યુવકના કાનનો પડદો ફાટી ગયો હતો. એટલું જ નહીં, યુવકે સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પીડિતોએ પોલીસ તંત્ર સમક્ષ ન્યાયની માગ કરી હતી.

પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત છતાં FIR ન નોંધાઈ

પીડિતોએ સમગ્ર મામલે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, તેમની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં ન આવતાં આખરે તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

JMFC કોર્ટનો PI સામે પ્રોસેસ ઇશ્યૂ કરવાનો હુકમ

મામલાની સુનાવણી બાદ વડોદરા JMFC કોર્ટે તત્કાલીન PI કિરીટ લાઠિયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 117(2) અને 352 હેઠળ પ્રોસેસ ઇશ્યૂ કરવાનો હુકમ કર્યો છે. હવે PI કિરીટ લાઠિયાને કોર્ટનું સમન્સ પાઠવવામાં આવશે.

ફરિયાદી પક્ષના વકીલે શું કહ્યું

ફરિયાદી પક્ષના વકીલ દર્શન પટેલના જણાવ્યા મુજબ, 4-11-2024ના રોજ મોઇન પઠાણ પોતાનું વાહન લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 5થી 6 અજાણ્યા શખ્સોએ તેનો પીછો કરી ગાળાગાળી કરી હતી. મોઇને મોટાભાઈને ફોન કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જોકે, 15 મિનિટ સુધી પોલીસ ન પહોંચતાં ડીસીપી કોઠિયાને જાણ કરાઈ હતી. ત્યારબાદ ગોરવાના તત્કાલીન પીઆઈ કિરીટ લાઠિયા ખાનગી ગાડીમાં આવ્યા હતા અને મોઇન તથા તેના મોટાભાઈ મહમ્મદ પઠાણને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. વકીલના આક્ષેપ મુજબ, બંનેને આખી રાત માર મારવામાં આવ્યો હતો અને ખોટી રીતે પ્રોહિબિશનના ગુનામાં સંડોવવામાં આવ્યા હતા. મોઇનખાન પઠાણના કાનનો પડદો પણ ફાટી ગયો હોવાનો આક્ષેપ છે. પોલીસમાં ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતાં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. અંતે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 4 નવેમ્બરે કોર્ટે પીઆઈ કિરીટ લાઠિયા સામે ફોજદારી ફરિયાદની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.

પોલીસ બેડામાં ખળભળાટ

કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા પોલીસ અધિકારી સામે જ કાયદાકીય કાર્યવાહીનો આદેશ થતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. હવે કોર્ટની આગામી કાર્યવાહી અને સમગ્ર મામલે તત્કાલીન PI કિરીટ લાઠિયાનો પક્ષ શું રહે છે તેના પર નજર રહેશે. 


આ પણ વાંચો :  Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ