પવિત્ર જન્માષ્ટમીના તહેવારની આડમાં જુગારની અડ્ડાબાજી ચલાવતા અને પર્વને ‘જુગાર દિવસ’ મનાવનારા અસામાજિક તત્વો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બાતમીદારો અને સર્વેલન્સના આધારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ દરોડા પાડવાની સઘન ઝુંબેશ હાથ ધરી હતી.
પાણીગેટ, મકરપુરા અને માંજલપુર સહિતના વિસ્તારોમાં દરોડા
પોલીસ ટીમે શહેરના અલગ-અલગ સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારો જેવા કે પાણીગેટ, મકરપુરા, માંજલપુર તેમજ દશરથ ગામમાંથી ચાલી રહેલા જુગારના ધામો પર દરોડા પાડ્યા હતા. અલગ-અલગ ટીમો દ્વારા પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન તાસપત્તા પર હાર-જીતનો જુગાર રમતા 30થી વધુ જુગારીઓને સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

24 કલાકમાં કુલ 63થી વધુ શખ્સો ઝડપાયા
વડોદરા શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશ હેઠળ છેલ્લા 24 કલાકમાં જ કુલ 63થી વધુ જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક ચેતવણી
તહેવારોની ઉજવણી દરમિયાન જુગાર કે અન્ય કોઈ પણ ગેરકાયદે કરનારાઓ સામે વડોદરા પોલીસ વિભાગ આગામી દિવસોમાં પણ આ જ રીતે કડક કાર્યવાહી ચાલુ રાખશે, તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીથી જુગારિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં થશે શિક્ષક દિનની ઉજવણી, વાંચો પળેપળની અપડેટ