વડોદરા શહેરના માંજલપુરમાં લાલબાગ નજીક આવેલી જગન્નાથ પૂરમ સોસાયટીમાં ગત બુધવારે વહેલી પરોઢે એક મકાનમાં લૂંટ થઈ હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક રૂમમાં સોફા ઉપર સૂતેલાં 81 વર્ષના વૃદ્ધા ઉપર બુકાનીધારી લૂંટારુએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાના હાથમાંથી 12 ગ્રામ વજનની સોનાની રૂ.1.70 લાખની કિંમતની બંગડી લૂંટીને ફરાર થઈ ગયો હતો.ઝપાઝપી દરમિયાન બુકાનીધારીના માથાના વાળનો ચોટલો વૃદ્ધાના હાથમાં આવ્યો ત્યારે ક્રાઈમ કરનાર લૂંટારુ મહિલા હોવાની પ્રતિતી થઈ હતી. 

હાથમાંથી સોનાની બંગડી લૂંટી

માંજલપુર જગન્નાથ પૂરમ સોસાયટીમાં રહેતાં 81 વર્ષના લીલાબેન નગીનભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારે છે.તેમના સ્વર્ગસ્થ પતિના પેન્શન ઉપર લીલાબેનનું ઘર ચાલે છે.રોજિંદા નિત્યક્રમ પ્રમાણે મંગળવારે રાતે લીલાબેન તેમના મકાનના મેઈન દરવાજાને તાળું મારીને ગાઉન્ડ ફ્લોર પર બેઠક રુમમાં સોફા ઉપર સૂઈ ગયા હતા. ઘટના સવારે આશરે 5.30 વાગે બની હતી.કોઈ અજાણી વ્યકિત હાથમાંથી સોનાની બંગડી કાઢી રહી છે તેવો લીલાબેનને અહેસાસ થયો હતો.લૂંટારુ બુકાનીધારી હતો.એક્યુપ્રેશરની સ્ટિકથી લૂંટારુએ વૃદ્ધાના હાથમાં ઘા કર્યો હતો અને ઝપાઝપી કરી હતી.હાથમાંથી સોનાની બંગડી લૂંટીને લૂંટારુ ભાગી રહ્યો હતો. 

લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયો

આ વખતે લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયો હતો.તે ક્ષણે લૂંટારુ મહિલા હોવાનો અહેસાસ થયો હતો.વૃદ્ધા ભયભીત થતા ભત્રીજાને જાણ કરતા સગા દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.વૃદ્ધા દ્વારા આપવામાં આવેલી લૂંટારાના ચોટલાની હકીકતે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા.સામાન્ય રીતે કાઈમ કરવા માટે આવતાં ક્રિમિનલ મુખ્ય દરવાજાનું તાળું તોડીને અથવા ખૂલ્લી બારીમાંથી ચોરી છુપીથી ઘરમાં પ્રવેશ કરતા હોય છે.પરંતુ આ કિસ્સામાં આવું કશું બન્યું નહતું.જેથી આ કૉયડો પોલીસ માટે પડકાર જનક બન્યો હતો. પછી સીસીટીવીને આધારે આ ચોર મહિલા હોવાનું જાણવા મળ્યું હતું.

ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવી

આ લૂંટારૂ મહિલાએ એક દિવસ અગાઉ વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવી હતી.ત્યારબાદ વહેલી સવારે તક જોઈને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી ખેંચવાનો પ્રયાસ કરતાં વૃદ્ધા જાગી જતાં આરોપી મહિલાએ તેમના હાથમાં બચકાં ભરી ઈજા પહોંચાડી હતી અને આશરે ₹1.70 લાખની કિંમતની સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના અંગે મહિલા દ્વારા કરાયેલી રેકી અને ઘરમાં ઘૂસવાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સવિતા રાઠોડ નામની મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે.


આ પણ વાંચોઃ