વલસાડ જિલ્લાના પારડી પંથકમાંથી વાલીઓ માટે હચમચાવી નાખે તેવી અને લાલબત્તી સમાન એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીંની એક ખાનગી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ કરાવવા તેમજ ભવિષ્યમાં IAS અને IPS અધિકારી બનાવવાની લાલચ આપીને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને કારણે સમગ્ર વલસાડ જિલ્લાના શિક્ષણ જગતમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
પિતાએ શાળાએ જઈને રૂમનો દરવાજો ખખડાવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી પારડીની આ ખાનગી શાળામાં અભ્યાસ કરતી એક સગીરા બપોરે 2 વાગ્યે શાળા છૂટ્યા બાદ રોજ નિયમિત સમય કરતાં બે કલાક મોડી ઘરે પહોંચતી હતી. દીકરી અવારનવાર મોડી આવતી હોવાથી શંકા ગઈ હતી, જેથી તેના પિતા એક દિવસ અચાનક શાળાએ પહોંચી ગયા હતા. પિતા જ્યારે શાળાની અંદર ગયા ત્યારે લેબ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પિતાએ શંકા ગઈ જતા દરવાજો ખખડાવ્યો હતો, જેથી અંદરથી તેમની પુત્રી ડરેલી અને રડતી હાલતમાં બહાર આવી હતી અને પાછળથી આચાર્ય પણ બહાર નીકળતા પિતા ચોંકી ઉઠ્યા હતા.
