ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) એ વલસાડ જિલ્લામાં મોટો સપાટો બોલાવ્યો છે. વાપી ખાતે આવેલી CGST (સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં જ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવીને બે સરકારી બાબુઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
વલસાડમાં બે એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓમાં એક આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર અને એક સિનિયર એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે. આરોપીઓનાં નામ આ મુજબ છે: કપિલ નટવરલાલ જૈન, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરરવિશંકર શ્યામંકાંત ઝા, સિનિયર એકાઉન્ટન્ટ બનાવની વિગતો એવી છે કે, ફરિયાદીએ CGST ઑફિસમાં ફૂલ છોડના કુંડા (Flower Pots) સપ્લાય કર્યા હતા. આ કુંડાઓના સપ્લાયનું બિલ પાસ કરવા માટે આ બંને લાંચિયા એકાઉન્ટન્ટોએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.
ફૂલ-છોડના કુંડાનું બિલ પાસ કરવા માગી લાંચ
ફરિયાદીએ લાંચ આપવાને બદલે વલસાડ જિલ્લા ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ સમગ્ર મામલાની ગંભીરતા જોતાં તત્કાળ એક્શન પ્લાન બનાવ્યો હતો અને CGST કચેરીમાં જ છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું.ACBના પ્લાન મુજબ, ફરિયાદી લાંચની રકમ લઈને બંને આરોપીઓને આપવા ગયો હતો. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીની કેબિનમાં જ તેમને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
આરોપીઓએ રૂ. 2000ની માગી હતી લાંચ
આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશન દર્શાવે છે કે, ACB ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સતર્ક અને સક્રિય છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, સરકારી કામ માટે કોઈ પણ કર્મચારી લાંચ માંગે તો તાત્કાલિક ACBનો સંપર્ક કરવો.