વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગર વાપી ટાઉનમાં છેલ્લા બે દિવસથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. વાપી ટાઉન પોલીસ મથકની હદ વિસ્તારમાં મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ માત્ર બે દિવસના ગાળામાં બનવા પામી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે.


 શાકમાર્કેટમાં બે જૂથ વચ્ચે મારામારી

મારામારીની પ્રથમ ઘટના વાપી ટાઉન વિસ્તારમાં આવેલા શાકમાર્કેટ ખાતે બની હતી. આ વિસ્તારમાં કોઈક બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટના આસપાસ લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેના ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 ગેરેજ સંચાલક પર હુમલો

બીજી તરફ, વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારના ભડકમોરા ખાતે મારામારીની અન્ય એક ઘટના સામે આવી છે. અહીં અસામાજિક તત્વોએ એક ગેરેજ સંચાલકને માર માર્યો હતો. ગેરેજ સંચાલકને માર મારવાની આ સમગ્ર ઘટના પણ CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે.

 પોલીસની કામગીરી પર સવાલ

એક તરફ વાપીમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે અને જાહેર સ્થળો પર મારામારી કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સૂત્રો અને ફરિયાદીના મતે, પોલીસ લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવવાને બદલે માત્ર ફરિયાદીની અરજી લઈને તપાસની કામગીરી કરી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે છેલ્લા બે દિવસથી વાપીમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો ખોફ કે ડર માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે. વાપીના શાંતિપ્રિય નાગરિકોની માગ છે કે પોલીસે તાત્કાલિક આ વાયરલ થયેલા CCTV ફૂટેજના આધારે કડક પગલાં લેવા જોઈએ અને આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવું જોઈએ.

  • Follow us on: