વલસાડ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ થઈ છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે વાપી તાલુકાના વટાર ગામે દરોડો પાડીને અંદાજે 1.091 કિલો ગ્રામ હાઈબ્રીડ વીડ (Hybrid Weed) ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ ધરાવતા અને અત્યંત કિંમતી ગણાતા આ ડ્રગ્સની કિંમત અંદાજે રૂ. 38,18,000 આંકવામાં આવી છે, જેણે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચાવી દીધી છે.
આરોપી હિતેશ ઉર્ફે સોનુ યાદવ દબોચાયો
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે સોનુ યાદવને સકંજામાં લઈને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ ગેરકાયદેસર ધંધા અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત હાઇબ્રીડ વીડ વહન કરવા માટે ઉપયોગમાં લેવાયેલું મોપેડ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 38,98,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આટલી મોટી માત્રામાં વિદેશી ગાંજો પકડાવાથી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
