વાવ,થરાદ પંથકમાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે.પ્રેમ સંબંધ અને મૈત્રી કરારમાં રહેતા એક યુવક પર યુવતીના પરિજનોએ તાલિબાની અત્યાચાર ગુજાર્યો છે.યુવકનું અમદાવાદથી અપહરણ કરી તેને એવી સજા આપવામાં આવી કે સાંભળીને પણ રુંવાડા ઉભા થઈ જાય.યુવકને નિવસ્ત્ર કરી, તેના ગુપ્ત ભાગે ઈન્જેક્શનની સોય ભોંકવામાં આવી અને તરસ લાગતા તેને ટોયલેટનું પાણી પીવડાવવામાં આવ્યું.હાલ આ યુવક મરણતોલ હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
દાગીના અને ડોક્યુમેન્ટ્સ પણ આંચકી લીધા
થરાદ પંથકના આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે તેણે પોતાની પસંદગીની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. યુવકને ત્રણ વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ થયો હતો.યુવતીના લગ્ન અન્યત્ર થયા હોવા છતાં તે આ યુવક સાથે રહેવા માંગતી હતી.ગત 16 માર્ચ 2026ના રોજ બંનેએ બિકાનેર ખાતે મૈત્રી કરાર કર્યા અને અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડે રૂમ રાખી નોકરી કરવા લાગ્યા હતાં. પરંતુ, દીકરીના પરિજનોને આ મંજૂર નહોતું. ગત 2 એપ્રિલની રાત્રે યુવતીના પરિજનો કાફલા સાથે અમદાવાદ પહોંચ્યા હતાં.પોલીસ હોવાનું કહી દરવાજો ખોલાવ્યો અને યુવક-યુવતીનું અપહરણ કરી લીધું હતું. એટલું જ નહીં, લૂંટના ઈરાદે તેમની પાસેથી 32,000 રોકડા, દાગીના અને ડોક્યુમેન્ટ્સ પણ આંચકી લીધા હતાં.
