બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પ્રોહીબિશન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસ દ્વારા ગત મોડી રાત્રે વાહન ચેકિંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક મોટા ટ્રેલરના કન્ટેનરની તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ. 2.98 કરોડની માતબર કિંમતની કુલ ૬૦,૪૪૪ નંગ બોટલોનો મોટો જથ્થો ઝડપાઈ આવ્યો હતો.
ચાલક સહિત બે શખ્સોની ધરપકડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબ પાસિંગ ધરાવતા એક ટ્રેલરના કન્ટેનરમાં અત્યંત ચાલાકીથી છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે દારૂનો આ જથ્થો તેમજ ટ્રેલરનું કન્ટેનર સહિત કુલ રૂ. ૩.28 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ટ્રેલરના ચાલક સહિત બે શખ્સોને સ્થળ પર જ દબોચી લઈને પોલીસે તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. બુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે અપનાવવામાં આવેલી આ હાઈ-પ્રોફાઈલ પદ્ધતિને પોલીસે નિષ્ફળ બનાવી દીધી છે.
