ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે, વડોદરાના ડભોઈમાં સૌથી વધારે 6 ઈંચ વરસાદ નોંધાયો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો નીચાણવાળા ખેતરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા છે.
ડભોઈ તાલુકામાં ભારે વરસાદ
ડંગીવાડા, ટીંબી તરસાના,મોરપુરા, વસઈ, પણસોલી જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, વિમલપાર્ક, ગોવિંદપાર્ક, ઉમા સોસાયટીમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા વિદ્યાર્થીઓ-સ્થાનિકોને મોટી હાલાકી પડી રહી છે, નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠયા છે અને પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરાઈ રહી છે.
રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ ડભોઇમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ વરસાદ, શિહોરમાં 3 ઇંચ, પાલનપુરમાં 2.8 ઇંચ વરસાદ, ખાંભામાં 2.6 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ વરસાદ, માંગરોળ 2.2 ઇંચ, વઘઇમાં 2.4 ઇંચ વરસાદ, તારાપુર અને વલ્લભીપુરમાં 2-2 ઇંચ વરસાદ ખાબકયો છે.









