ડભોઈના મોતીબાગની વિરાસત એવી 100 વર્ષ પૂરાણી વ્યાયામ શાળા ખંડેર હાલતમાં જોવા મળી રહી છે, ડભોઈના મધ્યમાં આવેલો અને નગરજનો માટે સંભારણું બની ગયેલો મોતીબાગ 100 વર્ષ પૂરા કરે છે,
નગરશેઠ મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે સાર્વજનિક ઉપયોગ માટે મહત્ત્વની જમીનનું દાન કરીને આ બગીચો અને તેની બાજુમાં વ્યાયામ શાળા સ્થાપવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. જોકે, સમય જતાં નગરપાલિકાના વહીવટ અને નગરજનોની નિષ્કાળજીના કારણે આ ઐતિહાસિક વિરાસત આજે મૃતપ્રાય અવસ્થામાં છે. 100 વર્ષથી વધુ સમય પહેલાં, દાતા મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે લોકોના હૃદયમાં તેમનું નામ અમર રહે તે હેતુથી, બે તળાવોની વચ્ચે આવેલી જમીન પર બગીચા માટે દાન કર્યું હતું. આ સ્થળ મોતીબાગના નામે પ્રખ્યાત થયું, જે એક સમયે ડભોઈનો એકમાત્ર બગીચો હતો.ભૂતકાળની ભવ્યતાઃ અહીં આનંદ-પ્રમોદના સાધનો હતાં અને વિવિધ રંગોના ફૂલોની સુગંધથી નગરજનોનું મન પ્રફૂલ્લિત થતું. સાંજના સમયે પરિવારો કલાકો સુધી બેસીને સમય પસાર કરતા, જ્યાં રેડિયોની સુરાવલીનો મધુર અવાજ આનંદ આપતો. બાળકો વિવિધ રમત-ગમતના સાધનો સાથે રમતા હતા. બગીચાની જાળવણી માટે મગનભાઈ માળીને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેમના અવસાન પછી બગીચામાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા અને તે મૃતઃપ્રાય અવસ્થામાં આવી ગયો છે. આજે આ વ્યાયામ શાળા સંપૂર્ણપણે ખંડેર હાલતમાં છે. ચારે તરફ્ના બારી-બારણાં અસામાજિક તત્વો ઉઠાવી ગયા છે. કુસ્તી માટેના ખાડાઓ પૂરી દેવાયા છે અને કમ્પાઉન્ડમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યા છે. અહીં દારૂના ખાલી પાઉચ જોવા મળે છે, જે રાત્રીના અંધકારમાં ચાલતી ગતિવિધિઓ સૂચવે છે.










