દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે ત્યારે SOU વડોદરા જતા માર્ગ પર ડભોઇ ખાતે આવેલા વિવાદિત સરિતા બ્રિજ ફરી એકવાર શનિવારે સાંજથી બંધ કરી દેવાયો હતો. જ્યારે અવરજવર માટે બાજુમાં નવીન તૈયાર થયેલ વડોદરાથી SOU જતા બ્રિજને હંગામી ધોરણે ચાલુ કરાયો છે. આ નવીન બ્રિજ પરથી જ અપ એન્ડ ડાઉનનો ટ્રાફ્કિ હાલ ચાલુ થયો છે.
ડભોઇ ખાતે નેરોગેજ રેલવે સ્ટેશનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ SOUને લઈ ડભોઇની સરીતા ફાટક ઉપર SOU વડોદરા અને વડોદરાથી SOU જવાના માર્ગ પર સુવિધાને લઇ આવન જાવન કરતા બે ઓવરબ્રિજ તૈયાર કરાયા છે. જે પૈકી શરૂઆતમાં તૈયાર થયેલ SOUથી વડોદરા તરફ જતા ઓવરબ્રિજ પર રેલવે દ્વારા બનાવેલા મધ્ય ભાગમાં જ સ્લેબ ઉખડી જતા મસમોટા ખાડાઓ પડી ગયા હતા. એટલું જ નહીં સ્લેબના સળિયા પણ બહાર આવી ચૂક્યા હતા. જે સળિયાઓ અકસ્માતને સ્પષ્ટ પણે નોતરું દેતા હોય તેમ જણાતા હતા. જોકે જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી વારંવાર વિવાદમાં રહ્યો છે. અત્યાર સુધીમાં 8 વાર તો આ બ્રિજ બંધ કરવાની નોબત પણ આવી હતી. જે બાબતનો ઉલ્લેખ જિલ્લાની સંકલન મિટિંગમાં પણ વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરાઇ હતી. ત્યારે હવે એવી વાતને આજનું સાંજથી તાત્કાલિક અસરથી બંધ કરી બાજુમાં તૈયાર થયેલ નવીન બ્રિજને હંગામી ધોરણે ખુલ્લો મૂકી અપ એન્ડ ડાઉન બંને ટ્રાફ્કિ અત્યારથી નવીન બ્રિજ પરથી શરૂ કરાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, હજુ નવીન તૈયાર થયેલ બ્રિજનું ટેસ્ટિગ પણ થયું નથી. બ્રિજની આજુબાજુ સર્વિસ રોડના પણ ઠેકાણા છે નહીં તો, તંત્ર દ્વારા એક બાજુ હાલ દિવાળીના દિવસો ગણતરીમાં જ છે. ત્યારે આ પ્રકારનું નિર્ણય લઇ તંત્ર શું કરવા બેઠું છે તે પ્રજાને સમજાતું નથી.










