ઐતિહાસિક શહેર ડભોઈના રેલવે સ્ટેશન પર નિર્માણાધીન ફૂટ ઓવરબ્રિજ (FOB)નું કામ 9 માસથી વધુ સમયથી ગોકળગાયની ગતિએ ચાલતું હોવાને કારણે મુસાફરો અને સ્થાનિક જનતા પારાવાર હાલાકી વેઠી રહ્યાં હતા. જે વિલંબિત કામગીરી અંગે 'સંદેશ' પેપરમાં વિગતવાર અહેવાલ પ્રસ્તુત થતાં જ રેલવે તંત્ર સફળું જાગ્યું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઇ છે.


પ્રાપ્ત માહિતી મુજબ, 'સંદેશ' પેપરમાં સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સ્ટેશન પરના બાકી કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રએ ગતિ પકડી છે. અને કેટલાક પીલર ઊભા કરી દેવાયા છે. જેના કારણે લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરો અને ડભોઈ આસપાસના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ ફૂટ ઓવર બ્રિજનું કામ અટકેલું હોવાથી મુસાફરોને એક પ્લેટફૉર્મ પરથી બીજા પ્લેટફૉર્મ પર જવા માટે ફરજિયાતપણે લાંબા ગરનાળામાંથી ફરીને જવું પડતું હતું. આ લાંબા અંતરના કારણે ઘણીવાર મુસાફરો સમયસર ટ્રેન સુધી પહોંચી શકતા નહોતા. ટ્રેન ચુકી જવાનો વારો આવતો હતો. ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને ભારે સામાન સાથેના મુસાફરો માટે આ પરિસ્થિતિ અત્યંત કષ્ટદાયક હતી. જોકે,'સંદેશ' પેપરમાં અહેવાલની સકારાત્મક અસરને પગલે ફૂટ ઓવરબ્રિજનું કામ ઝડપભેર શરૂ થતાં ડભોઈ અને આસપાસના વિસ્તારોની જનતાએ 'સંદેશ' પેપરનો આભાર માન્યો છે. સ્થાનિકો અને મુસાફરો હવે એવી આશા રાખી રહ્યા છે કે, તંત્ર આ ગતિ જાળવી રાખશે અને વહેલી તકે આ મહત્વપૂર્ણ ફૂટ ઓવર બ્રિજનું કામ પૂર્ણ કરશે. જેથી તેમને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે.


  • Follow us on: