દહેગામના પાલૈયામાં રહેતા એક ખેડૂતના ખેતરમાંથી તસ્કરો સફેદ ચંદનના ઝાડ કાપીને લઇ ગયા હતા. બાર વર્ષથી ઉછેરવામાં આવેલા ઝાડની ચોરી કરવામાં આવતા ખેડૂતે અજાણ્યા ઇસમો સામે 56 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.


પાલૈયામાં રહેતા ભુપેન્દ્રભાઇ હરીભાઇ પટેલે પોતાના ખેતરમાં ચંદનના ઝાડ વાવ્યા હતા. ગત 10 મીએ તેમના ચંદનવાળા ખેતરમાં દેખરેખ રાખવા ગયા હતા અને સાંજે પરત આવી ગયા હતા. તે બાદ 15મી ફરીવાર ખેતરમાં ગયા ત્યારે કેટલાક ઝાડ જમીનથી અડધા ફુટ ઉપરથી કાપી નાંખેલી હાલતમાં હતા અને ગણતરી કરતા કુલ 14 ઝાડ કાપી નાંખ્યા હતા. આ ચંદનના થડનો ઘેરાવો 19 થી 21 ઇંચનો હતો અને તપાસ કરતા ગોલા તળાવના કિનારે પાળા પરથી ચંદનના ઉપરના લાકડા પડયા હતા. જેથી થડના અંદરનો પાકો ભાગ ચોર ઇસમો લઇ ગયા હતા. ખેડૂતના જણાવ્યા મુજબ કુલ 10 ઝાડનો થડનો ચારેક ફુટનો ભાગ કાપીને લઇ ગયા હતા.


  • Follow us on: