દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલમાં ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે તે માટે પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે ગાંધીનગર DYSP પિયુષ વાંદાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. DYSP વાંદાએ જણાવ્યું હતું કે, ગામમાં શાંતિ અને સલામતી ડોહળાય નહીં તે માટે પોલીસ સજ્જ છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
દહેગામના બહિયલમાં પથ્થરમારા બાદ શાંતિ
તેમણે લોકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવું અને કોઈપણ ગેરમાર્ગે દોરનારા મેસેજને ધ્યાને ન લેવા." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, શાંતિ જોખમાય નહીં તે માટે પોલીસ દરેક પગલાં લઈ રહી છે. પોલીસે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. DYSP વાંદાએ જણાવ્યું કે, પથ્થરમારા અંગે પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરશે.
