દાહોદમાં ચોમાસાની ઋતુના પહેલા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. 7 ઈંચ જેટલા વરસાદમાં સમગ્ર દાહોદ શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું છે. દરમિયાન આજે દાહોદમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. વરસાદી ઋતુમાં પણ લોકો પોતાના કામ માટે બહાર નીકળતા હોય છે. ઝાંસનીનો રહેવાસી એક યુવક વાપી નોકરી માટે જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો.


ટ્રેનમાં પડતા યુવકનું મોત

ઝાંસીનો આ 25 વર્ષીય યુવક  વીરાંગના લક્ષ્મીબાઈ બાંદ્રા ટ્રેનમાં મુસાફરી કરી વાપી નોકરી માટે જતો હતો. રેલ્વેની મુસાફરી દરમિયાન યુવક વરસાદને લઈને કુદરતી નજારો માણવા ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો. ત્યારે અચાનક તેને એક ઝોકું આવી ગયું અને દરવાજા પાસે બેસેલ યુવક નીચે પટકાયો. રેંટિયા સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની છે. યુવાન ટ્રેનમાંથી નીચે પડયા બાદ ઇજા પામતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે હોસ્પટિલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. મૃતક યુવકનું નામ ગોલુ યાદવ હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. 

દાહોદમાં ઘટનાનો સિલસિલો

દાહોદમાં આજે અન્ય એક અકસ્માતમાં યુવાનનું મોત નિપજયું હતું. આ ઘટનામાં સિટી બસની ટક્કર વાગતાં એક યુવકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે અન્ય એક બનાવમાં શહેરના વ્યસ્ત કહેવાતા સ્ટેશન રોડ વિસ્તારમાં આજે ભુગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લુ રહી જતાં એક ગાય પડી ગઈ હતી. આ અંગેની જાણ જીવ દયા ગ્રૃપ તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગાયને ભુગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. 


  • Follow us on: