દાહોદમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ નજીક લક્ઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો. જેકોટ પાસે અકસ્માતની ઘટનામાં ખાનગી બસમાં સવાર મુસાફરો ગંભીરપણે ઇજાગ્રસ્ત થયા. હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર આવી સ્થિતિ નિયંત્રણમાં લીધી. પોલીસે અકસ્માત મામલે કાર્યવાહી હાથ ધરી.
અકસ્માતમાં 13 મુસાફરો ઇજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદના જેકોટ નજીક લક્ઝરી બસ પલટી ખાતા અકસ્માતની ઘટના બનવા પામી. આ લકઝરી બસમાં શ્રમિકો સવાર હતા અને તેઓ પરિવાર સાથે પોતાના વતન જઈ રહ્યા હતા. દરમિયાન શ્રમિકો ભરેલ બસ ગોંડલથી મધ્યપ્રદેશ જતી હતી ત્યારે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર અચાનક બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો. બસ હાઈવે પર પલટી ખાઈ નીચે પડતા આગળના ભાગના કૂરચેકૂરચા ઉડી ગયા. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાંથી 13 લોકોને ગંભીર ઇજા પહોંચી.
હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામ
સ્થાનિકો દ્વારા લોકોને બચાવવાના પ્રયાસ શરુ કરાયા દરમિયાન પોલીસને અકસ્માતની ઘટનાની જાણ કરવામાં આવી. ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ખાનગી લકઝરી બસ પલટી ખાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ખાનગી લકઝરી બસ રોડ પર પડતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
પોલીસે અકસ્માતનો નોંધ્યો ગુનો
પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને સ્થિતિ નિયંત્રણમાં લેતા ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો. પોલીસે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મુસાફરોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા. ગોંડલથી ઇન્દોર જતી બસમાં સવાર શ્રમિકોમાંથી નાના બાળકના માથે ગંભીર ઇજા થઈ છે અને મહિલાના માથા પર ઇજા થતા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તે જાણવા તજવીજ હાથ ધરી.