દાહોદ જિલ્લામાં વિધાનસભાની તમામ બેઠકો પર હાલ ભાજપનો કબજો છે, તે પૈકી અત્યારસુધી મંત્રી મંડળમાં સમાવિષ્ટ એક માત્ર ધારાસભ્ય બચુભાઈ ખાબડનુ આખરે પત્તુ કપાયુ છે. જ્યારે ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતા જિલ્લા ભાજપ અને ફતેપુરા વિધાનસભા ક્ષેત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
દાહોદ જિલ્લામાં વર્ષ 2022માં વિધાનસભા ચુંટણીમાં તમામ છ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. આ પહેલા 2002માં ભાજપનો સર્વત્ર ભગવો લહેરાયો હતો. દાહોદ જિલ્લો આદિવાસી જીલ્લો છે અને 2014માં જશવંતસિંહ ભાભોર સાંસદ બન્યા પછી એક પણ આદિવાસીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી. જિલ્લાના એક માત્ર ઓબીસી ધારાસભ્ય બચુભાઈ ખાબડ ત્યારથી માંડીને આજ દિન સુધી મંત્રી પદુ ભોગવી રહ્યા હતા, પરંતુ તમામ આદિવાસી ધારાસભ્યો મોવડી મંડળના આદેશને માથે ચઢાવીને કામગીરી કરી રહ્યા હતા.હવે બચુભાઈ ખાબડના પુત્રોના નામ મનરેગા કૌભાંડમાં સામે આવતાં તેમનું મંત્રી પદ જોખમમાં મૂકાયું હતું. ત્યારે દાહોદ જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન મળશે કે કેમ? તેની ગણતરીઓ મંડાઈ રહી હતી. ત્યારે બચુભાઈ ખાબડનું મંત્રી મંડળમાંથી પત્તુ કપાયા બાદ ફતેપુરાના ધારાસભ્ય અને અગાઉ નાયબ દંડક રહી ચુકેલા રમેશભાઈ કટારાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતાં દાહોદ જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન મળતાં જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ કટારાના પિતા ભુરાભાઈ કટારા પણ ભાજપના ધારાસભ્ય હતાં. જેમના બાદ ભાજપે ફતેપુરા બેઠક પરથી રમેશભાઈ કટારાને ટિકિટ આપી હતી. ગત વિધાનસભા ચુટણીમાં જીત બાદ તેઓને નાયબ દંડક બનાવાયા હતાં.










