ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસના પાનામાં ગુમનામીમાં જતાં રહેલા માનગઢ હત્યાકાંડની આજે 112મી વરસીએ આદિવાસીઓમાં દેશપ્રેમની આહલેક જગાવનારા ગુરૂ ગોવિંદને ઝાલોદ તાલુકા પંચાયતના સત્તાધિશો જાણે ભુલી ગયા હોય તેમ જણાયું હતું. તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મૂકેલી ગુરૂ ગોવિંદની પ્રતિમાને આજના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરવાનું તો ઠીક પરંતુ તેની સફાઈ કરવાની પણ સત્તાધિશોએ દરકાર સુધ્ધા નહીં લેતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
112 વર્ષ પૂર્વે તા.17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢ ખાતે જલિયાવાલા બાગથી પણ મોટો હત્યાકાંડ થયો હતો. જેમાં 1500 જેટલા વીર આદિવાસીઓએ શહીદી વહોરી હતી. જેમાં આદિવાસી મહાનાયક ગુરુ ગોવિંદની પણ ધરપકડ કરવામાં આવી હતી. અંગ્રેજોના અત્યાચારના વિરોધમાં ગુરુ ગોવિંદ દ્વારા વિસ્તારના લોકોને એકજૂટ કરી અને વિવિધ પ્રદર્શનો પણ કરાયા હતા.આજે ઇતિહાસના આ કાળા અધ્યાયની 112મી વરસી છે, ઝાલોદના સત્તાધિશો મહાનાયક ગુરુ ગોવિંદને વિસરી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં સ્થિત ગુરુ ગોવિંદની પ્રતિમાને આજના દિવસે પૂષ્પહાર ચઢાવવાની વાત તો દૂર પણ પ્રતિમાની સાફ સફાઈ પણ કરાઈ નથી. ત્યારે માત્ર ચૂંટણી સમયે યાદ કરાતા આદિવાસી મહાનાયકોનુ આવું અપમાન એ ખરેખર નિંદનીય છે.










