દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મનરેગા કામોમાં ગેરરીતિ મામલે એજન્સીઓના માલિકો તેમજ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ સામે તત્કાલીન ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદ અનુસંધાને ડીઆરડીએ કચેરીના તત્કાલીન ડીડીપીસી હામીદ આલમની દાહોદ પોલીસે થોડા દિવસ પહેલા અટકાયત કરી હતી, ત્યારે ખામીદ આલમના ચાર દિવસના રિમાન્ડ પુરા થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.


દેવગઢ બારીઆ તાલુકાના કુવા, રેઢાણા ગામે તથા ધાનપુરના સીમામોઈ ગામમાં થયેલ મનરેગા યોજના હેઠળ સામુહિક કામોની સ્થળ તપાસણી અન્વયે મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કરવાના થતાં કામ અપુર્ણ જણાયાં છે. તેમ છતાં તે કામોનું કમ્પલીશન સર્ટી તથા ખોટા પુરાવા ઉભા કરી પુર્ણ પેમેન્ટ કરી દેવાયું હતું. તમામ બિનપાત્રતા ધરાવતી એજન્સી તથા જવાબદાર સરકારી અધિકારી, કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં કૌભાંડ આચર્યું હતુ. હકીકત જાણવા છતાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને નાણાંની ચુકવણી કરી ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર સરકારી અધિકારી, કર્મચારી, કરાર આધારીત કર્મચારીએ સરકારની સાથે છેતરપિંડી કર્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હતો. જે ફરિયાદ અન્વયે રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ અને ડે.ડીડીઓ સહિત એક ડઝનથી વધુ કર્મચારીઓની ધરપકડ કરી હતી. તપાસ બાદ ડીઆરડીએના તત્કાલીન ડીડીપીસી અને હાલ ડીઆરડીએ કચેરીમાં ફરજ બજાવતાં હામીદ આલમની પોલીસે થોડા દિવસ પહેલા ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ આજે પુરા થતા હામીદ આલમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે હુકમ કર્યો હતો.


  • Follow us on: