દાહોદ જિલ્લાના લીમખેડા રેલવે સ્ટેશન પર આજે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના બની છે. એક મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે માલગાડી નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં માતા અને બંને બાળકો સહિત ત્રણેયના મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
દાહોદમાં બે પુત્રો સાથે માતાનો આપઘાત
આ દુઃખદ ઘટના લીમખેડા રેલવે સ્ટેશન પર બની હતી. મૃતક મહિલાની ઓળખ પટવાણ ગામની રહેવાસી તરીકે થઈ છે. મહિલાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ મહિલાએ પોતાના બે નાના પુત્રો સાથે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
લીમખેડામાં માલગાડી નીચે પડતું મૂકીને આપઘાત
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રેલવે પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા પારિવારિક, આર્થિક કે સામાજિક કારણોસર પોતાના બે નિર્દોષ બાળકો સાથે આપઘાત કર્યો, તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પટવાણ ગામ અને મૃતક મહિલાના પરિવારમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે.