દાહોદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદના ભીલવાડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ભીલવાડા વિસ્તારમાં ઘરમાં પાણી ફરી વળ્યા છે. જેસીબીની મદદથી પાણી નીકાલની કામગીરી હાથ ધરાઈ છે. ધોધમાર વરસાદને લઈને વરસાદી પાણી વિસ્તારના ઘરોમાં ભરાતા લોકોને મુશ્કેલીમાં મુકાયા હતા.
વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા
દાહોદના સિંગવડના મછેલાઈ, મંડેર, કેશરપુરમાં વરસાદમાં મેઘો મહેરબાન થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કબુતરી નદી બે કાંઠે વહી રહી છે. દાહોદના ઝાલોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઝાલોદના પાવડી ગામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાવડી ગામે યુવક પર વીજળી પડતા ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને હોસ્પિટલ લઈ જતી વખતે ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.
હવામાન વિભાગે ભરુચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે રાજ્યમાં એક વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગે ભરુચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, ડાંગ, નવસારી, તાપી,નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ,ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર,જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે બપોરે એક વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.