દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણોને લઈને તંત્ર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. લીમખેડામાં મુખ્ય માર્ગોને અડીને કરવામાં આવેલા કાચા-પાકા દબાણોને દૂર કરવા માટે સરકારી તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની અશાંતિ કે વિરોધ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની તૈનાતી વચ્ચે રોડની બંને બાજુએ સરહદ નક્કી કરવા માટે ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દાહોદ-ગોધરા અને ઝાલોદ રોડ પર અધિકારીઓનો કાફલો રોડ પર ઉતર્યો
આ સઘન ઝુંબેશ અંતર્ગત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો રૂબરૂ સ્થળ પર પહોંચ્યો છે. ખાસ કરીને વાહનવ્યવહારથી સતત ધમધમતા દાહોદ-ગોધરા રોડ અને ઝાલોદ રોડ પર ડીમાર્કેશનની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. માર્ગો પર થતા અનિયંત્રિત દબાણોના કારણે અવારનવાર સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે હળવી કરવાના હેતુથી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
