ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રીરણછોડરાયજી મંદિરમાં રવિવારે દેવઉઠી એકાદશી પર્વ પ્રસંગે રવિવારે ઢળતી સંધ્યાએ તુલસી વિવાહ ધામધૂમથી ઉજવાયો હતો.શ્રી ઠાકોરજી વરરાજા બનીને રજવાડી ઠાઠમાં અશ્વ પર બિરાજમાન થઇને પરણવા નીકળ્યા હતા. શ્રી ઠાકોરજીનો બેન્ડવાજાની સૂરાવેલી સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણની જાનમાં ઉમટેલા જાનૈયા (ભકતો) મન મૂકીને નાચગાન કર્યું હતું. વરપક્ષનું કન્યાપક્ષ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. આ સમયે ભવ્ય આતશબાજી યોજાઇ હતી. મંદિરમાં દીપ રોશની કરવામાં આવી હતી. તુલસી વિવાહના દર્શન માટે ભકતોનો સાગર ઊમટી પડયો હતો.ભગવાનના તુલસી વિવાહ બાદ સમાજમાં લગ્ન સહિત શુભ માંગલિક પ્રસંગોનો પ્રારંભ થશે.
ડાકોર રણછોડરાયજી મંદિરમાં દેવઉઠી એકાદશી પર્વ નિમિતે ભવ્ય તથા દિવ્ય તુલસી વિવાહ ઉજવાયો હતો. આ નિમિતે સાંજે 5.30 વાગ્યાના અરસામાં ભગવાન શ્રીકૃષ્ણ વરરાજા બનીને અશ્વ પર બિરાજમાન થઈને પરણવા ગયા હતા.ભગવાને સુવર્ણ આભુષણો ધારણ કર્યા હતા. મંદિરની પરિક્રમા કર્યા બાદ ભગવાનનો વાજતે ગાજતે વરઘોડો મંદિર બહાર નીકળ્યો હતો. વરઘોડાના રૂટ માર્ગો ઉપર ભકતજનોના જય રણછોડ ના નાદથી ગુંજી ઉઠયા હતા. માર્ગો ઉપર ઠેર ઠેર શ્રી ઠાકોરજી ઉપર પુષ્પ વર્ષા અને ભકતજનો દ્વારા ફૂલ અને અક્ષતથી વધાવવામાં આવતા હતા. વરઘોડામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા શ્રાધ્ધાળુઓ જોડાયા હતો. અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી .વરઘોડો લક્ષ્મીજી મંદિર થઇને પરત સાંજે 7.30 વાગ્યાના અરસામાં પરત નીજ મંદિરમાં આવ્યો હતો. બેન્ડવાજા , ઢોલ નગારા સાથે નીકળેલ શ્રી કૃષ્ણ ભગવાનની જાનમાં ઉમટેલા ભકતજનોનું કન્યા(તુલસી) પક્ષ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ભગવાનની જાનમાં જોડાયેલા ભકતજનો મનમૂકીને નાચ્યા હકતા. મંદિર પરિસરમાં ભરાયેલ વિવિધ દસ કુંજ (લગ્ન ચોરીમંડપ)માં આઠ વાગ્યા અરસામાં શ્રી ઠાકોરજી બિરાજીને ભૂદેવો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર કરીને તુલસી વિવાહ ભાવપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંદિરમાં દીપમાળા અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં દિવ્યતાનો માહોલ સર્જાયો હતો. તુલસી વિવાહના દર્શનનો લાભ લઇને ભકતજનોએ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત નડિયાદ સહિત જિલ્લામાં ઠેર ઠેર તુલસી વિવાહ યોજાયો હતો.
