દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને DGP દ્વારા તમામ પોલીસ યુનિટ્સને સંવેદનશીલ સ્થળો પર સઘન ચેકિંગના આદેશો આપવામાં આવ્યા છે. જોકે, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરે આ આદેશોની ગંભીરતા લેવામાં આવી નથી, જેના કારણે યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.
સમગ્ર રાજ્યમાં હાઈ-એલર્ટ જાહેર
સંદેશ ન્યુઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે ડાકોર મંદિર ખાતેની સુરક્ષા વ્યવસ્થામાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો સદંતર અભાવ છે. રાજ્યમાં એલર્ટ હોવા છતાં ડાકોર પોલીસ જાણે 'નિંદ્રાધીન' હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
સઘન સુરક્ષાના અભાવે 'સોફ્ટ ટાર્ગેટ' બનવાનું જોખમ
ડાકોર મંદિર, જે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં સઘન સુરક્ષાના અભાવે આતંકવાદીઓ માટે 'સોફ્ટ ટાર્ગેટ' બની શકે છે. રિયાલિટી ચેક દરમિયાન નીચે મુજબની બેદરકારીઓ જોવા મળી. કોઈપણ પ્રકારનું સઘન ચેકિંગ નહીં: મંદિરમાં પ્રવેશતા વ્યક્તિઓનું કોઈ જ પ્રકારનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવતું નહોતું.
મંદિર પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું નહોતું
શંકાસ્પદ ગણી શકાય તેવી મોટી બેગ લઈને કલાકોથી મંદિર પરિસરમાં ફરતા વ્યક્તિઓનું પણ કોઈ જ ચેકિંગ કરવામાં આવ્યું નહોતું. રાજ્ય પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા સઘન ચેકિંગના આદેશોનું ડાકોર પોલીસે પાલન કર્યું નહોતું, જેના કારણે ભક્તો અસુરક્ષિત અનુભવી રહ્યા છે. સુરક્ષાના આ અભાવને કારણે ડાકોર રણછોડરાયજીના ભક્તોની સુરક્ષા જોખમાઈ રહી છે. સંદેશ ન્યુઝના રિયાલિટી ચેકમાં ડાકોર પોલીસ સ્પષ્ટપણે નિષ્ફળ (Fail) સાબિત થઈ છે. તંત્રએ તાત્કાલિક આ ગંભીર બેદરકારીને દૂર કરવા અને મંદિર પરિસરમાં સુરક્ષા વધારવા માટે પગલાં લેવા જરૂરી છે.