વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા. ભાવનગર ખાતે ભવ્ય રોડ શો બાદ અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન હવાઈ માર્ગે હડપ્પન સંસ્કૃતિના નગર લોથલ ખાતે આવેલ મેરીટાઈમ મ્યુઝિયમની સમીક્ષા માટે જઈ રહ્યા હતા ત્યારે હવાઈ માર્ગે અમદાવાદ જિલ્લામાં ધોલેરા SIRના બહુહેતુક પ્રોજેક્ટોમાં થઈ રહેલા વિકાસ કાર્યોનું આકાશી તાગ મેળવ્યો હતો. વડાપ્રધાને હેલિકોપ્ટરમાંથી લગભગ 15થી 20 મિનિટ સુધી ધોલેરા SIRના વિવિધ પ્રોજેક્ટોનું વિહંગાવલોકન કર્યું હતું. તેમણે પ્રદેશના ઔદ્યોગિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટોની પ્રગતિ અંગે પ્રાથમિક સમીક્ષા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન લોથલ ખાતે રવાના થયા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરા SIRના આ પ્રોજેક્ટોને ભારતના આગામી ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ હબ તરીકે વિકસાવવા માટે પ્રશંસા કરી હોવાનું નિકટવર્તી સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

ધોલેરા સરના મહત્વના ટોપ ફાઈવ પ્રોજેક્ટ

1.અમદાવાદ- ધોલેરા SIR- ભાવનગર સુધીનો ઍક્સપ્રેસવે, ફેઝ-Iનું કામ અંતિમ તબક્કે.

2.ધોલેરા SIR પાસે નવો હરીફીલ્ડ એરપોર્ટ, ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય.

3.4,400 MW ક્ષમતાનો અલ્ટ્રા મેગા સોલાર પાર્ક(ધોલેરા સોલાર પાર્ક), ફેઝ-1માં 1,000 MW પહેલેથી કાર્યરત/કમિશન્ડ.

4.અદ્યતન સેમિકન્ડક્ટર તથા હાઈ-ટેક ઉદ્યોગો માટેના વિકાસના કેન્દ્ર તરીકે ધોલેરાની તૈયારી.

5.ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ ઔદ્યોગિક અને નિવાસી પ્લોટ્સ, રોડ અને ટ્રાન્સિટ કનેક્શન સહિતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી ગતિએ તૈયાર.