ધાનેરાની નગરપાલિકા કચેરી સામે આવેલી સેવન માર્ટ કરિયાણાની દુકાનમાંથી છૂટક ઘઉંનો લોટ ખરીદનાર ગ્રાહકને કડવો અનુભવ થયો છે. લોટમાં અસંખ્ય જીવાત મળી આવતાં ગ્રાહકે દુકાનદાર પાસે ફરીયાદ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેણે ફૂડ વિભાગમાં જાણ કરી છે.
મૂળ રાજસ્થાનના અને ધાનેરામાં કડિયા કામ કરતા કેટલાક શ્રામિકોએ બે દિવસ પહેલાં આ દુકાનમાંથી રૂ. 510માં છૂટક ઘઉંનો લોટ ખરીદ્યો હતો. ઘરે જઈને તેમણે આ લોટમાંથી જમવાનું બનાવ્યું હતું. જમ્યા બાદ શ્રામિકોની તબિયત લથડતાં તેમણે લોટની તપાસ કરતાં તેમાંથી મોટી સંખ્યામાં જીવાત મળી આવી હતી.
આજે શ્રામિકો ફ્રીથી દુકાને પહોંચ્યા અને દુકાન માલિકને આ અંગે જણાવ્યું. પરંતુ દુકાન માલિકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે શ્રમિકોને કહ્યું કે, લોટ માત્ર ત્રણ દિવસ સુધી સારો રહે છે અને ત્યારબાદ તેમાં જીવાત પડી જાય છે. આ જવાબથી અસંતુષ્ટ થઈને ગ્રાહકોએ તાત્કાલિક ધાનેરા નગરપાલિકા અને પાલનપુર ખાતેના ફૂડ વિભાગને મોબાઈલ ફેન પર આ મામલે જાણ કરી હતી.
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડવિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય. આ અંગે ફરીયાદી શ્રાવણ બેનિવાલે જણાવ્યું હતું કે ખોરાકમાં ભેળસેળને કારણે અનેક બીમારીઓ ફેલાઈ શકે છે ત્યારે પાલીકા તંત્રએ પણ શહેરમાં આવી વસ્તુઓ વેચતા દુકાનદારો સામે પગલા લેવા જોઈએ.