દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને આરોગ્યલક્ષી તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારો દરમિયાન દાઝી જવાના બનાવો, નાની-મોટી ઇજાઓ, શરદી-ખાંસી, શ્વસનતંત્રના રોગો, આંખની બીમારીઓ, એલર્જી અને ઝાડા-ઊલટી જેવી તકલીફો વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મનપા સંચાલિત હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સ્ટાફ તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

હોસ્પિટલોમાં વિશેષ તબીબી વ્યવસ્થા

મનપા સંચાલિત એસ.વી.પી. જનરલ હોસ્પિટલ, એલ.જી. જનરલ હોસ્પિટલ, શારદાબહેન જનરલ હોસ્પિટલ, નગર આંબા જનરલ હોસ્પિટલ, વી.એસ. જનરલ હોસ્પિટલ અને ચેપીરોગ હોસ્પિટલ સહિતની 6 મુખ્ય હોસ્પિટલોમાં જરૂરી તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે.

દિવાળીમાં 24 કલાક આરોગ્ય સેવા

દિવાળીના તહેવારો દરમિયાન કોઈ પણ નાગરિકને તાત્કાલિક સારવાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ રાઉન્ડ ધ ક્લોક આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. નરોડા, રખિયાલ, વટવા, ગોમતીપુર, વિરાટનગર, ફઝલનગર, બહેરામપુરા, દાણીલીમડા, ચાંદખેડા, સાબરમતી, થલતેજ અને સરખેજ સહિતનાં કેન્દ્રોમાં તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દવાઓ અને સારવારનો પૂરતો જથ્થો

મનપા દ્વારા જરૂરી દવાઓ, સારવાર માટેની સામગ્રી અને સજ્જતા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવી છે. હોસ્પિટલોમાં ચોવીસ કલાક તબીબી સેવા મળી રહે તે માટે ડોક્ટરોને ફરજ પર રાખવામાં આવ્યા છે. સંબંધિત હોસ્પિટલોના આર.એમ.ઓ. અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરશે.

આવાસ યોજનામાં હજારો મકાનોની કામગીરી પૂર્ણ

બીજી તરફ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ હજારો મકાનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ માટે 5,158 અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે 4,985 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન અને પુનર્વિકાસ માટેના વિનિયમો-2010 હેઠળ 3,467 આવાસોની કામગીરી પૂર્ણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ પ્રગતિ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ માટે 19,465 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના-2013 અંતર્ગત 10,808 આવાસોની કામગીરી પૂર્ણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે ઓછી આવક ધરાવતા વર્ગ માટે 2,501 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. બીજી તરફ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 13,163 આવાસો અને ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના-2013 હેઠળ 18,470 આવાસોની કામગીરી પ્રગતિ હેઠળ છે. ઓછી આવક ધરાવતા વર્ગ માટે 1,640 આવાસોની કામગીરી પણ પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું છે.

8,775 આવાસો માટે ટેન્ડર પ્રક્રિયા

આર્થિક રીતે નબળા વર્ગ, ઓછી આવક ધરાવતા વર્ગ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના-2013ની વિવિધ શ્રેણીઓ હેઠળ અંદાજિત 8,775 આવાસો માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ કામગીરી અલગ-અલગ તબક્કામાં હાથ ધરવામાં આવશે.  


આ પણ વાંચો :   Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!