રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આગની દુર્ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં રાજકોટના મવડી-કણકોટ રોડ પર આવેલા શ્યામલ ઉપવન હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ 8મા માળેથી શરૂ થઈને સીધી 10મા માળે પહોંચી જતા ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી કરીને બીજા માળેથી લોકોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર GIDC વિસ્તારમાં મોડી રાત્રે પ્લાસ્ટિક અને લાકડાના બે ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા માટે ડીસાથી પણ ફાયર ફાઈટરોને બોલાવવા પડ્યા હતા. તેમજ અંકલેશ્વરની ડમ્પીંગ સાઈટ અને સુરતના મોટા બોરસરા GIDCમાં આવેલા બાલાજી ટ્રેડિંગના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે.
વડોદરા કાર બ્લાસ્ટ કેસનો પર્દાફાશ
બીજી તરફ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં કારમાં આગ લાગ્યા બાદ થયેલા બ્લાસ્ટના ચકચારી કેસમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. કાર માલિક પ્રિતેશ મકવાણા સાથે ચાલી રહેલી અંગત અદાવતના કારણે ફતેગંજ પોલીસે કડક કાર્યવાહી કરીને જયેશ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આરોપીએ બે દિવસ અગાઉ પ્રિતેશની કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી અને પોતે શાંતિથી સૂઈ ગયો હતો. સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગની ભયાનક ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
