તહેવારોના પવિત્ર અવસરે કોઈ અવાવરું કે નિરાધાર વ્યક્તિઓ પણ ખુશીઓથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુસર અમદાવાદ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. જીવનધારા વૃદ્ધાશ્રમ સંકુલ ખાતે સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સહિત નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ જવાનોએ ઉપસ્થિત રહીને નિરાધાર બાળકો અને વડીલો સાથે દિવાળી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
ફટાકડા અને રંગબેરંગી દીવાઓથી ઝળહળ્યું સંકુલ
સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી તેમજ નારોલ-દાણીલીમડા પોલીસ ઇન્સ્પેક્ટરો પોતાના પોલીસ જવાનો સાથે વૃદ્ધાશ્રમ પહોંચ્યા હતા. અહીં સૌની હાજરીમાં તારામંડળ, કોઠીઓ અને રંગબેરંગી ફટાકડા સળગાવીને દિવાળીનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોલીસ જવાનોની આ પ્રકારની ઉપસ્થિતિથી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો અને બાળકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી.


