દિવાળીના પાવન તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં રોનક જોવા મળી રહી છે પરંતુ મોંઘવારીએ રંગમાં ભંગ પાડ્યો છે. જામનગરની ફટાકડા માર્કેટમાં ફટાકડાના ભાવમાં સીધો ૨૦ ટકા જેટલો મોટો વધારો નોંધાયો છે. ભાવ વધારાના આ અહેવાલો સામે આવતા જ ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો મૂંઝાઈ ગયા છે. કાચા માલની કિંમતો, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે ફટાકડાના વેપારીઓ દ્વારા પણ નાછૂટકે ભાવ વધારવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર પડી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફટાકડા ખરીદવા મુશ્કેલ બન્યા

આ વર્ષે જામનગરની બજારમાં બાળકો અને યુવાનો માટે અવનવા અને આકર્ષક ફટાકડાની વેરાયટીઓ વેચાણ માટે આવી છે, જે લોકોનું વિશેષ ધ્યાન ખેંચી રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એવી છે કે આ ફટાકડાના ઊંચા ભાવના કારણે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે તેને ખરીદવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે. લોકો મનમાં સવાલ પૂછી રહ્યા છે કે આટલી મોંઘવારીમાં બાળકોની જીદ કેવી રીતે પૂરી કરવી અને ફટાકડા પાછળ ખર્ચો કેવી રીતે કરવો. મોંઘવારીના કારણે તહેવારની ખરીદી મર્યાદિત થઈ ગઈ છે.

 અગાઉના જેવો ઉત્સાહ ઓસર્યો

અગાઉના સમયમાં દિવાળીના તહેવાર અગાઉ લોકો ખૂબ જ ઉત્સાહ સાથે કપડાં, મીઠાઈ, ફટાકડા અને ઘરવખરીની તમામ ચીજવસ્તુઓની ખુલ્લેઆમ ખરીદી કરતા હતા. પરંતુ વર્તમાન સમયમાં આ સરકારી અને બજારકીય મોંઘવારી વચ્ચે સામાન્ય પરિવારો માટે બજેટ જાળવવું અઘરું બન્યું છે. આવક સ્થિર રહી છે જ્યારે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે દિવાળી જેવા મહાપર્વ પર પણ મોંઘવારીનો ડાઘો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે અને નાગરિકો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો : Ahmedabadના રાયપુર ફટાકડા બજારમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક સફળ, વેપારીઓની સાવચેતી જોઈ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો