દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી છે. અને આવતીકાલે જન્માષટ્મી તહેવારને લઈને રાજ્યના કૃષ્ણ મંદિરોમાં તડામાર તૈયારી થઈ રહી છે. દ્વારકા મંદિરમાં જન્માષ્ટમીનો પ્રસાદ ઘેર બેઠા મળશે તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ રહી છે. એક એપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો આનંદ લેવા તમને ઘેર બેઠા જ પ્રસાદ મળશે તેવું આ એપમાં દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા સામે હવે દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી.


વેબસાઈટને લઈને સ્પષ્ટતા

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા આ જાહેરાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે ઘર મંદિર નામની વેબસાઈટ ફ્રોડ છે. આ પ્રકારની કોઈ વ્યવસ્થા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવેલ નથી માટે સૌ કૃષ્ણ ભક્તોએ ધ્યાન આપવું અને દ્વારકાધીશ જગત મંદિરને લગતી તમામ માહિતી દેવસ્થાન સમિતિ ખાતે આપવામાં આવેલ છે એ સિવાય કોઈ વ્યક્તિ કે જાહેરાતો પર વિશ્વાસ કરવું નહીં. એમ દ્વારકાધીશ જગત મંદિરનાં વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા જણાવાયું છે.

મંદિર ટ્રસ્ટની કૃષ્ણભક્તોની અપીલ

ઘર મંદિર નામની વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે જગત મંદિર ખાતે જન્માષ્ટમી પર્વે મળતું પ્રસાદ અને ફૂલ માળા ઓનલાઇન પેમેન્ટ કરી ઘર બેઠા મંગાવો. આવી ભ્રામક જાહેરાતોમાં ના ફસાવવાની મંદિર ટ્રસ્ટ દ્વારા કૃષ્ણભક્તોને અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દ્વારાકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં કલાકારો અને શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય રાસ ની રમઝટ બોલાવામાં આવી. મંદિર પરિસરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળતા ભક્તિમય વાતાવરણ બન્યું.

  • Follow us on: