દ્વારકા નજીક ઓખા ખાતે ચાલી રહેલા કોસ્ટ ગાર્ડ જેટીના નિર્માણ કાર્યમાં આજે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેટીનો નિર્માણધીન એક ભાગ અચાનક દરિયાના પાણીમાં ધસી પડતાં કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


[[$googlead]]

 કામદારોના જીવ તાળવે ચોંટ્યા

ઓખા ખાતે BMS કંપની દ્વારા કોસ્ટ ગાર્ડ જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આજે સવારે અચાનક જેટીનો એક ભાગ દરિયામાં તૂટી પડ્યો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા અનેક કામદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઓખા નેવી અને ઓખા મરીન પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેઓએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને પાણીમાં પડી ગયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ કામદારોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે મીઠાપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અગાઉ પણ થયો હતો જીવલેણ અકસ્માત

નોંધનીય છે કે, આજ જેટીના કામમાં અગાઉ પણ એક મોટો અકસ્માત સર્જાયો હતો. ભૂતકાળમાં જેટી પર ક્રેઈન તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં બે કામદારોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. એક જ નિર્માણ સ્થળ પર વારંવાર અકસ્માતો થવાથી કામની ગુણવત્તા અને સલામતીના ધારાધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે હાલમાં આ ઘટના અંગે જરૂરી તપાસ હાથ ધરી છે અને કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.

[[$alsoread]]
  • Follow us on: