દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ફોટડી ગામ નજીક મોરઝરથી ફોટડી જતા રોડ પર આવેલો એક કોઝવે બ્રિજ તૂટી પડ્યો છે. સદનસીબે બ્રિજ તૂટ્યો ત્યારે તેના પર કોઈ વાહન પસાર થતું નહોતું. બ્રિજ પર કોઈ સાધન ન હોવાના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. મોરઝરથી ફોટડીને જોડતો આ બ્રિજ રાજાશાહી વખતનો હતો. આ બ્રિજ જુનો અને જર્જરિત હતો. સ્થાનિકો લાંબા સમયથી તેની દુરસ્તીની માંગ કરી રહ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવતી હતી.


સ્થાનિકોએ આ ઘટનાનો વીડિયો કર્યો વાયરલ

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતના તમામ જર્જરિત બ્રિજોની તપાસણી કરવામાં આવી હોવા છતાં આ બ્રિજ તંત્રના ધ્યાનમાં કેમ ન આવ્યો તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? હાલ તો બ્રિજ તૂટ્યા બાદ સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને ભારે વાહનોને આ રોડ પરથી પસાર ન થવા માટે અપીલ કરવામાં આવી છે.

તંત્રની બેદરકારીને ઉજાગર કરતી ઘટના 

આ ઘટનાએ ફરી એકવાર રાજ્યના જર્જરિત બ્રિજોની સ્થિતિ અને તેના સમારકામ પ્રત્યે તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. હવે જોવુ રહ્યું કે તંત્ર ક્યારે આળસ ખંખેરીને આ બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરે છે. લોકોના જીવ જોખમમાં મુકતુ આ તંત્ર કોઈ જાનહાની થવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

  • Follow us on: