દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં જાતિવાદી ભેદભાવનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગામના દલિત સમાજના લોકોએ કેટલાક દુકાનદારો અને વ્યવસાયીઓ દ્વારા તેમની સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે.


જામ કલ્યાણપુરમાં દલિતોના અપમાનનો આરોપ

દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, પટેલકા ગામમાં તેમની સાથે જાતિવાદી ભેદભાવ રાખવામાં આવે છે. આમાં મુખ્યત્વે દલિત સમાજના લોકોને દુકાનોમાં માલ-સામાન વેચવાનો ઈનકાર કરવામાં આવે છે. હજામ (વાળંદ) દ્વારા દલિત પુરુષોની દાઢી કે વાળ કાપી આપવાનો ઈનકાર કરવામાં આવે છે, જેનાથી તેઓ અપમાનિત થાય છે.

દલિતોને દુકાનમાંથી માલ નહીં આપવાનો આરોપ

આ જાતિવાદી વિવાદને લઈને દલિત સમાજે તેમના બંધારણીય હક્કો અને અધિકારોનું રક્ષણ કરવા માટે સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે. દલિત સમાજે માગ કરી છે કે, જે લોકો જાતિવાદના મુદ્દે તેમને અપમાનિત કરી રહ્યા છે અને ભેદભાવ આચરી રહ્યા છે, તેમની સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.

દલિતોનું અપમાન કરતા લોકો સામે કાર્યવાહીની માગ

આ પ્રકારના જાતિવાદી ભેદભાવના કિસ્સાઓ સમાજમાં સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જિલ્લા કલેક્ટર અને એસ.પી. સમક્ષ રજૂઆત થતાં હવે વહીવટી તંત્ર આ મામલે તપાસ હાથ ધરીને ભેદભાવ આચરનારાઓ સામે પગલાં લેશે તેવી અપેક્ષા છે.

  • Follow us on: