દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP) એ મોટો ધડાકો કરીને ભવ્ય જીત નોંધાવી છે. ભાડથર બેઠક પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર વીરૂભાઈ કંડોરીયાનો ભવ્ય વિજય થતાં સમગ્ર કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. આ બેઠક પર જીત સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વીરૂ કંડોરીયાનો 3,651 મતોના વિશાળ માર્જિનથી વિજય
મળતી વિગતો અનુસાર, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલી સાતેય રાઉન્ડની મતગણતરી સુચારુ રૂપે પૂર્ણ થઈ હતી. શરૂઆતથી જ આપના ઉમેદવાર વીરૂભાઈ કંડોરીયાએ પોતાના હરીફ ઉમેદવારો સામે મજબૂત સરસાઈ જાળવી રાખી હતી. આખરે સાતેય રાઉન્ડના અંતે વીરૂભાઈ કંડોરીયાએ 3,651 મતોની આંકડાકીય સરસાઈ મેળવીને શાનદાર બાજી મારી હતી. પરિણામ જાહેર થતાં જ AAP છાવણી દ્વારા ઢોલ-નગારા અને આતિશબાજી સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
